વિજય રૂપાણીનો પોલીસ ચંદ્રક કાર્યક્રમ : 2005માં જાહેર થયેલો રાષ્ટ્રપતિ ચંદ્રક 2019માં પણ ન મળ્યો

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે અમદાવાદમાં ઉત્કૃષ્ટ સેવા બદલ 168 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક અને પોલીસ ચંદ્રક એનાયત કર્યા.

ઇસરત જહાંના એન્કાઉન્ટર કેસમાં ડિસચાર્જ કરાયેલા ગુજરાત પોલીસના પૂર્વ ડીજીપી પી. પી. પાંડેને આ યાદીમાં સૌ પહેલાં ચંદ્રક એનાયત કરવામાં આવ્યો.

જોકે, આ કાર્યક્રમ દરમિયાન જી. કે. પરમાર, કે. એમ. વાઘેલા, આઈ. કે. ચૌહાણ અને ડી. એચ. ગૌસ્વામી જેવા પોલીસ અધિકારીઓને આમંત્રણ અપાયું નહોતું. આ તમામ પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક આપવાની જાહેરાત કરાયેલી છે.

આમાંથી આઈ. કે ચૌહાણ અને ડી. એચ. ગૌસ્વામી ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટરના મામલે સાક્ષી તરીકે રજૂ થઈ ચૂક્યા છે અને આમાંથી એક પોલીસ અધિકારીએ ગુજરાત પોલીસના વડાને પત્ર લખીને એમને મળેલો રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવે એવી માગ કરી છે.


કોણે પત્ર લખ્યો?

નિવૃત્ત પોલીસ અધિકારી આઈ. કે. ચૌહાણે આ કાર્યક્રમ પહેલાં ગુજરાત પોલીસના વડાને સંબંધિત મામલે પત્ર લખ્યો હતો.

તેમણે જણાવ્યું, “મારી ઉત્કૃષ્ટ સેવા બદલ વર્ષ 2005માં મને રાષ્ટ્રપતિ-ચંદ્રક આપવાની જાહેરાત કરાઈ હતી. જોકે, આ અંગેના કોઈ પણ કાર્યક્રમમાં એ હજુ સુધી મળ્યો નથી. વર્ષ 2009માં યોજાયેલા સંબંધિત કાર્યક્રમમાં પણ મને આ ચંદ્રક મળ્યો નથી. એ મને મળવો જોઈએ. ડીજીપીને લખેલા પત્રમાં મેં આ જ માગ કરી છે.”

તેમણે એવું પણ જણાવ્યું કે વર્ષ 2012માં ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સંબંધિત કાર્યક્રમમાં એમને આમંત્રણ અપાયું હતું. જોકે, ચંદ્રક એનાયત નહોતો કરાયો.


કોણ છે આઈ. કે. ચૌહાણ?

ઇબ્રાહિમ ચૌહાણે વર્ષ 1983માં સબ-ઇન્સ્પેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

સેવા દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તેમને વર્ષ 2005માં રાષ્ટ્રપતિ દ્વારા ચંદ્રકની જાહેરાત કરાઈ હતી. જોકે, હજુ સુધી એમને આ ચંદ્રક મળી શક્યો નથી.

ગૃહવિભાગ દ્વારા રાષ્ટ્રપતિ-ચંદ્રક માટે મોકલવામાં આવેલા ‘સાઇટેશન’માં કરાયેલા ઉલ્લેખ અનુસાર સુરતમાં ફરજ દરમિયાન તેમણે પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન ‘સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમૅન્ટ ઑફ ઇન્ડિયા'(સીમી)ની હલચલને આંતરી હતી અને સીમી પર પ્રતિબંધ મૂકાવવામાં મહત્ત્વની કામગીરી બજાવી હતી.

બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ સુરતમાં થયેલાં તોફાનો દરમિયાન પણ તેમણે ઉત્કૃષ્ટ રીતે ફરજ બજાવી હતી. જેને પગલે વર્ષ 2002થી અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચમાં તેમની બદલી કરાઈ હતી અને પદોન્નતિ પણ અપાઈ હતી.

ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને વર્ષ 2005માં રાષ્ટ્રપતિ દ્વારા ચંદ્રકની જાહેરાત કરાઈ હતી.

ગુજરાતના ઍડિશનલ ડીજીપી સંજય શ્રીવાસ્તવે આ મામલે જણાવ્યું છે કે ગૃહખાતામાંથી જે યાદી મળે એ પ્રમાણે જ ચંદ્રકો એનાયત કરવામાં આવતા હોય છે. જોકે, આઈ. કે. ચૌહાણને ચંદ્રક કેમ એનાયત ન કરાયો એ અંગે એમણે કોઈ વાત કરી નહોતી.

આ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે વાત કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, તેમનો સંપર્ક સાધી નહોતો શકાયો.

source: bbc.com/gujarati

TheLogicalNews

Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by TheLogicalNews. Publisher: BBC Gujarati